જ્યારે ઠેર ઠેર રસ્તામા રઝળતી ગાયોને જોઉ છું ત્યારે મન ખીન્ન થઇ જાય છે. ક્રષ્ણના ગોવાળીયા અને ત્યારના ગોપાલકોની યાદ આવી જાય છે. કેવું હતું ગૌમાતા નુ જતન ? અને આજે એ મહામુલા ગોધનને રસ્તામાં ચારા માટે ફાંફા મારતું જોઉં છું ત્યારે એમની આ દશા કરનાર વેપારીયો ઉપર આક્રોષ આવે છે.
આપણી સવાર જેના અર્મુત જેવા દુધથી થાય છે તેની આ દુર્દશા ? શું આજ ગૌમાતા માટે કવિહ્રદયમાંથી આ અણમોલ શબ્દો સરી પડ્યા હશે : “ઘેનુકાની આંખ્યોમાં જોયા મેં શ્યામ, એને રૂવે રૂવે વાંસળી વાગે” ? શું આ ગીત ગાતી વખતે પુરૂષોત્તમ ઉપાધ્યાય ક્યારેક એમની ઉપેક્ષા થી દ્રવી પડ્યા નહીં હોય ?
રોજ રોજ છાપાંમાં સમાચાર વાંચીયે છીએ કે રખડતી ગાયને અથડાવાથી ગાડી ઉથલી પડી અને કોઇકનું મોત થયું, એમાં નાના છોકરાં, વયસ્કો અને અપંગ લોકો પણ ખરા. ત્યારે આપણે રખડતી ગાયો ને વગોવીએ છીયે. પણ એ મુગા પ્રાણીનો શું વાંક ? એ તો એના ખોરાકની શોધમા રખડતી હોય છે.
ખરો ગુનેહગાર તો એનો માલીક છે, જે આખો દિવસ બીજા કામમાં વ્યસ્ત હોય છે, ગાયો ને રસ્તા ઉપર ચરવા માટે છોડી મુકે છે, સાંજે મોટર સાયકલ પર આવી ને આડેધડ તગડી જાય છે અને દોહીને એનુ દૂધ વેચી દે છે, આપણે એને માણીયે છીયે ત્યારે આપણી સવાર થાય છે. આ તે કેવી વીડંબણા ?
છાપાંમાં મોટી હેડલાઇન વાળા મંત્રીઓના નીવેદનો આવ્યા કરે છે કે ગાયોને રસ્તા ઉપર છોડી મુકનાર માલીકોને સજા થશે અને આવી ગાયોને પકડી ને પુરી દેવામાં આવશે. પણ ગાયો તો રસ્તામાં આવ્યાજ કરે છે, લોકો આ ગાયોની અડફટમાં આવીને મર્યા જ કરે છે. કદાચ્ ગાયોના માલીકોએ કંઇ શોર્ટ કટ ખોળી કાડ્યો હશે. ગમે તે હોય પણ આ દુષણ તો દૂર કરવુંજ પડે.
દુધના એ અઠંગ વેપારીયોનો બહીષ્કાર ન કરી શકાય ? આ સારાય કૌભાંડ પાછળ રહેલા સડેલા તંત્રને ખુલ્લુ ન પાડી શકાય ?
મારી પાસે આનો કોઇ સચોટ ઉકેલ નથી.
કોઇ માઇનો લાલ આ ઘુંચવાયેલું કોકડું ઉકેલવાનું બીડું જરૂર ઝડપી લેશે એ આશા સાથે વીરમું છું.